અંગાઈકોટ ગામ

🟡 સ્થળ : અંગાઇકોટ ગામ

🔴 રાજ્ય : જમ્મુ કાશ્મીર

🔵 જીલ્લો : બાંદીપોરા

🟤 વેલીનું ગામ : તુલૈલ-વેલી

🔴 સમુદ્ર સપાટીથી ઉંચાઈ : 8,379 ફૂટ

🟢 લેખક ✒️: ડૉ ઋષિકેશ પાંડવ

🟡 www.falconwings.in

🔵 પ્રવાસ તા. : 29-05-26

🟤 લેખન કાર્ય : 29-06-26

તુલૈલવેલીમાં વસેલું એક નાનકડું સ્વર્ગ...

કાશ્મીરના અતિસુંદર ગામોનું લિસ્ટ બનાવીએ તો કદાચ અંગાઈકોટ પ્રથમ હરોળમાં આવતું હશે..!!

આ અંગાઇકોટ ગામ, જમ્મુથી 450 કિમી, શ્રીનગરથી 200 કિમી, બાંદીપોરાથી 120 કિમી, રાઝદાન ટોપ થી 85 કિમી તેમજ ગુરેઝ-વેલીમાં આવેલા દાવર વિલેજથી 44 કિમી દૂર કિશનગંગા કિનારે વસેલું અતિ રળિયામણું ગામ છે.

ગુરેઝ વેલીમાં આવેલા દાવર ગામથી POK બોર્ડર પાસે આવેલા છેલ્લા ગામ ચકવાલી તરફ જતા રસ્તામાં આવતો વિસ્તાર તુલૈલ વેલીના નામે જાણીતો છે. દાવર ગામથી આગળ વધતા રસ્તામાં ક્રમશઃ બાદુઆબ, દૌરિયન, શેખપોરા, ગુજરાન, બાગટોર, અંગાઈકોટ, બાઝીપોરા, કિલશાય, બુરનાઈ, એ સિવાય ઘણા નાના મોટા ગામ અને છેલ્લે ચકવાલી ગામ આવે છે, અને ત્યાંથી POK શરૂ થાય છે. ચકવાલીથી આગળ વધતા LOC પાસે આર્મીની ચેકપોસ્ટ આવતા આપણા સૈનિકો આપણને આગળ જતા અટકાવી દે છે. અહીંથી દ્રાસ ફક્ત 30 કિમી જેટલું દુર છે, પણ આ રસ્તો આર્મીના જ ઉપયોગમાં લેવામાં આવતો હોવાથી, સુરક્ષાના હેતુસર સામાન્ય નાગરિકોના વપરાશ માટે બંધ કરવામાં આવ્યો છે.

અહીં તુલૈલ વેલીના ગામોમાં વસવાટ કરતા અનોખા અતિપ્રાચીન જનસમુદાય તેમજ તેમની રહેણી કહેણી , ભાષા, તેમનો સાંસ્કૃતિક વારસો અને તેમનો મુખ્યત્વે વ્યવસાય વિશેની જાણકારી પણ ખૂબ રસપ્રદ છે, એ વિશે હું મારા આગળના તુલૈલ વેલીના આર્ટિકલમાં તમને વિસ્તારથી જણાવીશ.

કાશ્મીરના પહેલગામની જેમ અહીં ગુરેઝમાં પણ સ્થાનિક સ્થળોએ ફરવા માટે ફરજિયાત યુનિયન કેબ ભાડે કરવી પડતી હોવાથી મેં મારા 47 મિત્રો માટે આગલા દિવસે જ સાત SUV બૂક કરી દીધી હતી. જે ત્યાંના ફિક્સ ભાવ, એક SUV ના 5000 મુજબ બુક કરવાની હોય છે.

અમારા કાશ્મીર પ્રવાસનો આ આઠમો દિવસ હતો, રોજની જેમ જ મેં, આગલાં દિવસે બધા મિત્રોને જાણ કરી દીધી હોવાથી બધા મિત્રો અને તેમના ફેમિલી મેમ્બર્સ વેહલી સવારે ઉઠીને ચા-પાણી નાસ્તો કરીને તૈયાર થઈ ગયા, થોડીવારમાં પેહલેથી બુક કરેલી SUV કાર અમારી હોટલ પાસે આવતા, અમે સૌ જીવનની સૌથી યાદગાર સફર કરવા માટે SUV ટેક્સીમાં બેસી ગયા અને તુલૈલ વેલી તરફ જવા પ્રયાણ કર્યું.

ગુરેઝ-વેલીથી તુલૈલ વેલી તરફનો રસ્તો જાણે પ્રકૃતિથી ગળાડૂબ કુદરતી દ્રશ્યોથી ભરપૂર હતો...!! રસ્તામાં એક પછી એક નજરે પડતા કુદરતી દ્રશ્યો જાણે હૃદયમાં ઊતરતા જતા હતા ..!! દરેક વળાંક પછી આપણને એવું લાગે કે, હવે વળી આનાથી વધારે સુંદર દ્રશ્ય હશે ખરું ? પણ કુદરત તરત જ બીજું એનાથી વધારે સુંદર દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કરી દે...!! આ જ રસ્તે, કિશનગંગા નદીના મધુર કલરવ વચ્ચે, પર્વતોની ગોદમાં વસેલા અનેક નાનામોટા ગામો મા'નું એક સુંદર ગામ..!! એજ અંગાઈકોટ...!!

અંગાઈકોટ કોઈ સામાન્ય ગામ નથી, સાક્ષાત ઈશ્વરે પોતે પોતાના હાથથી પીંછી લઈ રંગબેરંગી કલર પુરી કેનવાસ રૂપી ધરતી પર દોરેલું જાણે કુદરતી દ્રશ્ય જ જોઈલો.!!

અહીં પહોંચતાં જ શહેરનો ઘોંઘાટ જાણે પવનમાં ઓગળી જાય છે. કાનમાં માત્ર આ ગામની વચ્ચે ખળ ખળ વહેતી કિશનગંગાના નિર્મળ જળનો નાદ સંભળાય..!! ચીડ અને દેવદારનાં વૃક્ષોમાંથી વહેતો પવન સંગીત છેડતો જાય, અને બરફથી ઢંકાયેલા પર્વતો મૌન રહીને પણ ઘણું કહી જતા હતા.

ગામના લાકડાના ઘરો જાણે પર્વતોના સંતાનો હોય અને ગામની રક્ષા કરતા હોય એમ એ પર્વતો ગૌરવથી અડગ ઊભા હતા. લાકડાના ઘરના આંગણે ખીલેલા રંગબેરંગી જંગલી ફૂલો, છાપરાં પર પડતા સવારના સોનેરી કિરણો અને ચીમનીમાંથી નીકળતો સફેદ ધુમાડો, આ બધું મળીને એવું દ્રશ્ય રચે કે, પર્યટકો આંખો પલકાવાનું પણ ભૂલી જાય...!! અહીં જીવન ઘડિયાળના કાંટા પ્રમાણે નહીં, પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્તના તાલે ચાલતું હશે એવું લાગતું હતું.

કિશનગંગા નદી આ ગામની બરાબર વચ્ચેથી વહેતી હોવાથી ગામ બે ભાગમાં વેહચાઈ ગયું છે. સ્થાનિકો દ્વારા આ નદી પર બાંધવામાં આવેલો નાનકડો લાકડીયો પુલ અંગાઈકોટ ગામની આગવી ઓળખ બની ગયો છે. આ પુલ પરથી પસાર થતી વખતે નીચે વહેતી કિશનગંગા નદી પ્રવાસીઓને.. જાણે..," અહીં સુધી આવ્યા જ છો તો થોડી વાર વધારે રોકાઈ જ જાવ ને " એમ આમંત્રણ આપીને તાણ કરતી હોય એવું લાગે છે.

પુલ પર ઊભા રહીને ચારેબાજુ નજર ફેરવો તો હરિયાળાં મેદાનો, પવનમાં ડોલતા વૃક્ષો અને બરફાચ્છાદિત શિખરો મળીને એવી જીવંત તસ્વીર દોરે છે કે, કોઈ કેમેરો પણ તેની સુંદરતાને સંપૂર્ણ રીતે કેદ કરી શકતો નથી. કદાચ એટલે જ નેચર પ્રેમી ફોટોગ્રાફરો માટે અંગાઈકોટ ગામ એક પ્રિય સ્થળ બની ગયું હોય એવું લાગે છે.

ઉનાળામાં આ ગામ જાણે લીલી રેશમી ચાદર ઓઢી લે છે. મેદાનોમાં ચોમેર રંગબેરંગી જંગલી ફૂલો ખીલી ઊઠે છે. ઘેટાં અને બકરાંના ટોળાં ઘાસ ચરતાં હોય, બાળકો નદી કિનારે રમતાં હોય છે. દૂર પર્વતો પર ઓગળતો બરફ કિશનગંગાને નાના બાળકની જેમ હસતી કૂદતી ચંચળ બનાવતો હોય એવું દેખાઈ આવે છે.

આ બધા અકલ્પનીય દ્રશ્યો, તાદ્રશ જોનારના હૃદયમાં એવી શાંતિ ભરી દે છે કે જીવનની બધી દોડધામ ક્ષણભર માટે ભૂલાઈ જાય.

શિયાળો આવે એટલે અંગાઈકોટનો સ્વભાવ જ બદલાઈ જાય. આખું ગામ બરફની સફેદ ચાદર ઓઢી લે છે. વૃક્ષોની ડાળીઓ પર બરફનાં મોતી ઝળહળે છે. ઘરના છાપરાં પર બરફની જાડી પરત જામે છે. દૂર સુધી માત્ર સફેદી જ સફેદી દેખાય. એ સમયે અંગાઈકોટ કોઈ પરીકથાના રાજ્ય જેવું લાગે. કુદરતે જાણે પોતાની સૌથી સુંદર કલ્પના અહીં ઉતારી હોય એવું પ્રતીત થાય છે.

અંગાઈકોટમાં સમય થંભી ગયો હોય એવું લાગે. અહીં કોઈ ઉતાવળ નથી, કોઈ કૃત્રિમતા નથી. અહીં છે તો માત્ર કુદરતનો નિઃશબ્દ સ્પર્શ, પર્વતોની ગૌરવભરી શાંતિ અને નદીનું અવિરત સંગીત. જે એકવાર આ ગામમાં આવે છે, તે પોતાના હૃદયનો એક ટુકડો અહીં જ મૂકી આવે છે, એ વાત ચોક્કસ છે...!!

કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં આપણે માત્ર ફરવા નથી જતા, ઘણીવાર આપણે પોતાની જાતને શોધવા માટે પણ જતા હોઈએ છીએ. અંગાઈકોટ એક એવું જ એક ગામ છે કે, અહીં પહોંચીને આપણને સમજાય છે કે, વાસ્તવિક સાચું સુખ અને મનની શાંતિ ક્યારેય રૂપિયા પૈસા, ગાડી બંગલા, કે ઊંચી ઇમારતોમાં જેવી ભૌતિકતા માં નથી હોતું, સાચું વૈભવ અને મનની શાંતિ તો કુદરતની ગોદમાં, નિશ્ચલ ને નિર્મળ હવામાં અને નિષ્કપટ માનવ હૃદયમાં વસેલું હોય છે.

ગુરેઝ અને તુંલૈલ વેલીની ખીણોમાં જો કોઈ એક ગામ કુદરતના અપ્રતિમ સૌંદર્યને વાચા આપતું હોય તો તે અંગાઈકોટ છે. કિશનગંગા નદીકાંઠે તેમજ લીલાછમ પર્વતોની છાતી પર કંડારેલા આ નાનકડા ગામની મુલાકાતે આવનાર દરેક પર્યટકોના મનમાં એક જ ભાવ જન્મે, કાશ ! સમય અહીં ને અહીં જ થંભી જાય...!!

🔴 ✒️ Dr Rushikesh Pandav

🟡 Falconwings Tourisam

🟢 A symbol Of Freedom

📱 9925231969

📱 9106666911