ચંદ્રતાલ
દેવતાઓનું સ્થાન · પૌરાણિક સ્થળ
🔵 દેશનું નામ : ભારત
🟡 સમુદ્રથી ઊંચાઈ : 14,100 ફૂટ
🟢 રાજ્યનું નામ : હિમાચલ
🟣 જીલ્લો : લાહૌલ & સ્પિતી
🟡 સ્થળનું નામ : ચંદ્રતાલ
🟤 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ
🟡 લેખન કાર્ય : ૧-૦૭-૨૦૨૪
🔴 www.falconwings.in
🟠 falconwingstours@gmail.com
હિમાચલ પ્રદેશમાં અગણિત નાના મોટા તળાવ, ઝરણાં, નદીઓ અને રમણીય ગામો આવેલા છે. એ સૌ સ્થળોમાં અદ્વિતિય ચંદ્રતાલ લેકનું નામ સાંભળતા જ છાશવારે હિમાલયના પ્રવાસે નીકળી પડતાં ટ્રેકર મિત્રો અને પ્રકૃતિ પ્રેમીઓના રૂંવાડા ઉભા થઇ જતાં હોય છે તેમજ ભરઊંઘ માંથી પણ સફાળા બેઠા થઇ જતાં હોય છે..!! હા આ સંપૂર્ણ સત્ય છે..!! આ તળાવ જેટલું સુંદર છે તેટલું જ ત્યાં પહોંચવું અઘરું છે, આ અલૌકિક, અદ્વિતિય અને ધાર્મિક દ્રષ્ટિએ અનોખું મહત્વ ધરાવતા સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી આજે હું તમને આપીશ.
ચંદ્રતાલ હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સ્થિત બર્ફીલી પહાડીઓથી ઘેરાયેલું એક અતિ સુંદર તળાવ છે. આ તળાવ સમુદ્ર સપાટીથી લગભગ 14,100 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તે તેના આછા વાદળી કલર અને સ્વચ્છ પાણી માટે પ્રસિદ્ધ છે. ચંદ્રતાલ તળાવ ટ્રેકિંગ અને એડવેન્ચર પ્રેમીઓમાં અત્યંત લોકપ્રિય છે. હમ્પટા પાસ ટ્રેકનો આ છેલ્લો પડાવ છે, જે મનાલી પાસે આવેલા છત્રુ ગામમાં આવેલ છત્રું વેલી માંથી શરૂ થાય છે.
આ તળાવ લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં આવેલા લોસાર ગામ નજીક આવેલા કુંઝુમ પાસ પાસે સ્પીતિ ખીણમાં આવેલું છે. આ તળાવને ચંદ્રા નદીનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ચંદ્રા નદી અહીથી નીકળીને તાંદિ ગામમાં વેહતી ભાગા નદીને મળે છે અને ત્યાં ચંદ્રા અને ભાગા નદીનો સંગમ થાય છે. ત્યાંથી આ નદી આગળ જતા ચંદ્રભાગા તરીકે ઓળખાય છે, તેનું બીજું નામ ચિનાબ પણ છે. જેના વિશે મેં આગળની પોસ્ટમાં તાંદિ ગામનું વિસ્તૃત વર્ણન કર્યું હતું એમાં આ વાત નો ઉલ્લખ કર્યો છે.
આ તળાવનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે, સવારે સ્વર્ગમાંથી પરીઓ અને દેવી દેવતાઓ બ્રહ્મ મુહૂર્તમાં અહી સ્નાન કરવા આવે છે. આથી અહીંના રહેવાસીઓ આ તળાવને ખૂબ પવિત્ર માને છે તેમજ તળાવની પૂજા અર્ચના કરે છે અને તેની પ્રદક્ષિણા કરે છે.
હિંદુ પૌરાણિક કથાઓમાં પણ આ ચંદ્રતાલના નામનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે, કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં કૌરવોને પરાજિત કર્યા બાદ પાંચ પાંડવો જીવતા જ સ્વર્ગ પામવા જીવનની અંતિમ યાત્રાએ નીકળ્યા ત્યારે અહીં સુધી પગપાળા આવ્યા એવી દંતકથા છે. અહી પહોંચતા માર્ગમાં એક પછી એક પાંડવો મૃત્યુ પામતા ગયા, છેલ્લે માત્ર યુધિષ્ઠિર જ બચ્યા હતા, અને તેમને ભગવાન ઈન્દ્ર અહીંથી સીધા સ્વર્ગલોક લઈ ગયા હતા.
આ સિવાય એક બીજી પણ રહસ્યમય દંતકથા પ્રચલિત છે. જે કથા, ચંદ્ર દેવની પુત્રી ચંદ્રા અને સૂર્ય દેવના પુત્ર ભાગા નામના બે પ્રેમીઓની આસપાસ ફરે છે. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમના માતાપિતાએ તેમના લગ્નનો અસ્વીકાર કર્યો. તેથી તે બંનેએ ભાગી ને એક થઈ જવાનું નક્કી કર્યું. કમનસીબે ટુંક સમય માટે તેઓ એકબીજાને પામી શક્યા નહીં. અંતે તેઓ તાંદી ગામ નજીક ચંદ્રભાગા નદીના કિનારે મળ્યા, જ્યાં તે બંને એક થયા. સૂરજ તાલ અને ચંદ્ર તાલ નામના તળાવો તેમની પ્રેમકથાના પુરાવા પૂરો પાડે છે. અને પ્રકૃતિ પ્રેમીઓ આ બંને તળાવની મુલાકાત લઈને અને ચંદ્રા અને ભાગા ની પ્રણયલીલાને સંભારે છે, અને આ બંને તળાવની અપાર સુંદરતામાં ખોવાઈ જાય છે.
"ચંદ્રતાલ" નો અર્થ "ચંદ્રનું તળાવ" થાય છે. આ તળાવ નો અર્ધચંદ્રાકાર હોવાથી તેનું નામ ચંદ્રતાલ પડ્યું હશે એવું માનવામાં આવે છે. આ તળાવ કુંઝુમ પાસ કે, જે સમુદ્ર સપાટીથી 15,059 ફૂટ ઉંચાઈએ આવેલ છે, ત્યાંથી આશરે 6.0 કિમી દૂર આવેલું છે. આ સરોવરનો વ્યાસ લગભગ 2.5 કિલોમીટર જેટલો છે. તેમજ તેની આજુ બાજુ વિશાળ મેદાની પ્રદેશ છે, જે વસંત ઋતુમાં જાતજાતની વનસ્પતિઓ અને જંગલી ફૂલોથી ઉભરાઈ પડે છે. ત્યાં નજીકમાં વસવાટ કરતા ગોવાળિયાઓ પોતાના ઢોર ઢાંખર જેવા કે ગાય, ઘેટાં, બકરાં, ઘોડા તેમજ યાકને ચરાવવા આ મેદાની પ્રદેશ માં લઇને આવે છે.
ચંદ્રતાલ તળાવ દિવસમાં ત્રણ થી ચાર વાર પોતાનો કલર બદલે છે સવારે આછો ગ્રે કલર હોય જે સમય જતાં આછા વાદળી રંગનું દેખાવા લાગે અને બપોરે જો આકાશ વાદળ વિનાનું ખુલ્લું ને ચોખ્ખુ ચણક હોય તો આ તળાવ ઘેરા વાદળી (બ્લૂ) કલરનું દેખાવા લાગે છે. આકાશનો કલર અને આસપાસની ટેકરીઓના પ્રતિબિંબને કારણે ચંદ્રતાલ તળાવનો કલર દિવસ દરમ્યાન ચાર પાંચ વાર બદલતો રહે છે. ચોમેર બરફથી ઢંકાયેલી ઉંચી નીચી ટેકરીઓ, ઉંચા પર્વતો તેમજ લીલાછમ ઘાસના મેદાનો, રંગબેરંગી ફૂલો જોઈ શકાય છે, જે સ્થળને વધુ નયનરમ્ય અને મનોહર બનાવે છે.
ચંદ્રતાલના પ્રવાસે જવાની ઈચ્છા હોય તો તમારે અહીં આવવાના બે અલગ અલગ રસ્તા છે, બંને માંથી ગમે તે રૂટ પકડી ને તમે અહીં આવી શકો છો. એક રસ્તો શિમલાથી નારકંડા, સરહાન, રકચમ, ચિતકુલ, સાંગ્લા, કલ્પા, નાકો, ટેબુ કાઝા, કિબ્બર, હિક્કીમ, કિવ, ઢંકર, ચિચમ, લોસાર અને કુંઝૂમ પાસ થઈ ને તમે આ તળાવની મુલાકાત લેવા આવી શકો છો. જેનું અંતર અંદાજે 500 કિમી જેટલું છે. અહીઁના રસ્તાઓ એટલા વળાંક વાળા અને દુર્ગમ હોવાથી તમે રોજનું 100 કિમી અંતર જ કાપી શકો છો, જેથી તમારે ઉપર બતાવેલા ગામ માંથી કોઈ પણ ગામમાં આવેલી હોટેલ કે હોમસ્ટેમાં રાતવાસો કરવો જ પડે. એટલે તમારે આ રસ્તે ચંદ્રતાલ પહોંચતા ઓછામાં ઓછાં 5-6 દિવસ તો થઈ જ જાય.
બીજો રસ્તો પ્રમાણમાં ઓછો સમય લેય છે, જે મનાલીથી શરૂ થાય છે, જેનું અંતર 110-120 કિમી જેટલું છે, પરંતુ આ રસ્તો ખૂબ પથરાળો અને સાંકડો છે. આ 110-120 કિમી અંતર કાપતાં તમારે ઓછામાં ઓછાં 5-6 કલાક થાય છે. જો તમે આ રસ્તે નીકળો તો મનાલીથી પ્રથમ ભાંગ, પલચન, સોલાંગ, બાદ બરવાગામ આવે છે ત્યાંથી અટલ ટનલ વટાવ્યા બાદ બે રસ્તા પડે છે, ડાબી બાજુનો રસ્તો સીસું, જિસ્પા, કેલોંગ, દારચા, ઝિંગ ઝિંગ બાર, બારાલાચાપાસ, શિંખોલા પાસ, સરચું થઈને લેહ-લડાખ બાજુ જાય છે, અને અટલ ટનલ વટાવ્યા બાદ બીજો જમણી બાજુ જતો રસ્તો કોકસર(ખોકસર), ગ્રામફુ, છત્રુ, બાતાલ, કુંઝુમ પાસ થઈને ચંદ્રતાલ લેક તરફ જાય છે. એટલે જો મનાલીથી ચંદ્રતાલ જઈને પાછું મનાલી પરત ફરવું હોય તો તમારે મનાલીથી વેહલી સવારે 4.00 વાગ્યે ચંદ્રતાલ જવા નીકળવું પડે..!! તો તમે રાતે મોડા માં મોડા 10-11 વાગે મનાલી પરત આવી શકો. જો તમે સવારે મનાલીથી નીકળવામાં મોડું કરો તો તમારે ચંદ્રતાલ નજીક ટેન્ટમાં અથવા 30 કિમી નજીક આવેલા લોસાર ગામમાં ત્યાંના લોકલ લોકોના હોમ-સ્ટેમાં રાતવાસો કરવો પડે જેનું બુકિંગ તમારે અગાઉથી કરાવવું પડે, નહિ તો તમને અહી રાત્રી રોકાણની વ્યવસ્થા મળી ના શકે, કેમ કે આ સ્થળ વર્ષ માં 3-4 મહિના (જુન, જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમબર) જ ખુલ્લું રેહતું હોવાથી પ્રકૃતિપ્રેમીઓનો ધસારો પ્રમાણમાં વધારે હોય છે, તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા એના પ્રમાણમાં ખૂબ ઓછી છે.
હવે તમને હું મારા ચંદ્રતાલના અવિસ્મરણીય પ્રવાસની માંડીને વાત કરું તો તમે આવતા વર્ષે અચૂક અહીં આવવાનો પ્રોગ્રામ બનાવશો જ એ વાત નક્કી છે. અમે સૌ મિત્રો વેહલી સવારે 6.00 વાગ્યે હિમાચલ પ્રદેશમાં આવેલા કાઝા ગામથી ચંદ્રતાલ જવા માટે નીકળ્યા. રસ્તામાં રંગ્રિક, ખુરિક, મુરંગ, હાલ, પાંગમો, કિઅતો, હંસા, કિઅમો અને છેલ્લે લોસાર નામનું ગામ આવે છે, આ લોસાર ગામ વટાવ્યા પછી થોડે દૂર એટલેકે 20km દૂર જતા ડાબી બાજુ એ એક વળાંક આવે છે, ત્યાં આર્મીની એક નાનકડી ચેકપોસ્ટ આવે છે, અહીં થી જો તમે ભૂલથી વળ્યા વિના સીધા જતા રહો તો સીધા મનાલી બાજુ પહોંચી જાવ..! એટલે તમારે અહીં ડાબી બાજુએ વળવાનું અચૂક યાદ રાખવું. કેમ કે અહી નેટવર્ક આવતું નથી એટલે ગૂગલ મેપ પણ ના ચાલે..!! એટલે યાદ રાખવું કે, ડાબી બાજુ જે ફાંટો પડે છે, એ રસ્તો ચંદ્રતાલ જાય છે. અમે એ રસ્તે વળાંક લઇ ને ચંદ્રતાલ જવા નીકળ્યા. આ રસ્તો ખૂબ સાંકડો અને કાચો અને પથરાળ છે, એક સમયે એક જ વાહન ચાલી શકે જો વાહનોનો સામસામે ભેંટો થાય તો વાહનો આગળ પાછળ કરી ને નીકળતા બીજી 10-15 મિનિટ નીકળી જાય. આ પાતળી કેડી જેવા રસ્તાની એક બાજુએ આવેલા પહાડો ઉપરથી બરફ પીગળતા થોડા થોડા અંતરે પૂરજોશમાં ખળ ખળ વહેતા ઝરણાં તેમજ નાના મોટા વોકળામાંથી સતત પાણીનો અવિરત પ્રવાહ ચાલુને ચાલુ જ હોય છે, જે પાણી રસ્તો ક્રોસ કરીને રસ્તાની બીજી બાજુ આવેલ ખીણમાં પોતાનો રસ્તો બનાવી ને વહે છે, એ સિવાય નાના મોટા ઘણા નાળા આવે છે, કે જ્યાં પાણી ક્યારેક વધુ ને ક્યારેક ઓછા પ્રમાણ માં વહેતું રહેતું હોય છે, કે જેના લીધે અહીંનો રસ્તો હંમેશા ખાડા ખબડા વાળો જ રહેતો હોય છે. નાળામાં પાણીનું વ્હેણ વધારે હોય તો નાના મોટા વાહન તો અહીંથી આગળ પણ નહિ વધી શકતા. ક્યારેક કોઈ પ્રવાસીઓના નસીબ વાંકા ચાલતા હોય તો પાણીના વધારે પડતા વહેણના કારણે આ નાળાઓ ઓળંગવા પણ ખૂબ મુશ્કેલ થઇ પડે છે. ઘણી વાર કેટલાક વાહનો નાળામાં વહેતા વધારે પડતાં પાણીના પ્રવાહને કારણે આગળ નહિ વધી શકતા અને અહીંથી પરત ફરે છે, અને પ્રવાસીઓને મુખે આવેલો કોળીયો છીનવાઈ જાય એવી પરિસ્થતિ સર્જાય છે. ટૂંકમાં નસીબમાં હોય તો અને તો જ તમે ચંદ્રતાલ સુધી પહોંચી શકો છો. અમારું નસીબ જોર કરતું હશે, એટલે અમારા વખતે રસ્તામાં આવતા નાળામાં વહેતાં પાણીનો પ્રવાહ વધારે નહો'તો. એક પછી એક નાળા વટાવતાં કાચા ને કપરા ખાડા ટેકરા વાળા રસ્તામાં અમારા ટેમ્પાને 10-12 કિમીનું અંતર કાપતાં લગભગ 1 કલાક ઉપર સમય ગયો.
ચંદ્રતાલ લગભગ 2 કિમી દૂર હતું ત્યાં અચાનક બંને બાજુ એકદમ લીલાછમ ઘાસના મેદાન દેખાવા લાગ્યા એ મેદાનમાં ચારેય બાજુ ઘોડા અને યાક ઘાસ ચરતા હતા, ભયાવહ રસ્તો પાર કર્યા બાદ અચાનક દૂર આવા સુંદર રળિયામણા ડુંગરોની મધ્યે આવા સુંદર લીલાછમ મેદાન અને ક્યાંક ક્યાંક પ્રવાસીઓને રાત્રીવાસો કરવા માટે નાના મોટા ટેન્ટ લાગેલા હતા. આવા દ્રશ્ય જોતા અમારી સૌની આંખો ચાર થઇ ગઇ. થોડીવારમાં વાહન પાર્ક કરવાની જગ્યા આવી એટલે અમે સૌ અમારો ટેમ્પો પાર્ક કર્યો. અહીંથી 2-3 કિમી ચાલીને બે-ત્રણ નાનકડા ડુંગરા ઓળંગવાના હતા, પછી અમને ચંદ્રતાલના દુર્લભ દર્શન થવાના હતા.
કાઝાથી સવારે 6.00 વાગે નીકળતા અમે અહી બપોરે 1.00 વાગ્યાની આજુબાજુ પહોંચ્યા હતા. ડ્રાઈવરે અમને ફક્ત 2 કલાક નો સમય આપ્યો હતો એટલે અમારે 2-3 કિમી ચાલી ને ચંદ્રતાલ જોઈ ને ફરી પાછી 2-3 કિમી ચાલીને પરત આવવાનું હતું. એટલે અમે સૌ મિત્રોએ ચંદ્રતાલની દિશામાં ફટાફટ ચાલવાનું શરૂ કરી દીધું.
લીલાછમ મેદાની પ્રદેશમાં આવેલા લીલી જાજમ બિછાવેલ બે ત્રણ ડુંગરા ચડીને ઉતર્યા બાદ અમેને દૂર એક સુંદર ઘાટા વાદળી એટલે કે ઘાટા બ્લુ રંગનું તળાવ દેખાયું..!! તળાવને જોતા જ બધાં મિત્રોના પગમાં જોર આવી ગયું અને બધા મિત્રોની ઊર્જા માં સંચાર થવા લાગ્યો તેમજ બધાની ચાલવાની સ્પીડ પણ વધી ગઈ..! તળાવ ઉપરથી આવતા શીતળ વાયરામાં ઊંડા ઊંડા શ્વાસ લેતા લેતા અમે ચંદ્રતાલના કિનારે પહોંચ્યા ને, જોયું તો સ્વર્ગ પણ કદાચ ઝાંખું પડે એવું વિસ્મયકારક દ્રશ્ય અમારી નરી આંખો સામે હતું, નયનોને ટાઢક આપે એવા ઘેરા બ્લુ કલરનાં પાણીનું તળાવ...! લોકો પાસે જે તળાવની ફક્ત વાતો જ સાંભળી હતી અને જે તળાવ વિશે ફક્ત પુસ્તકોમાં જ વાચ્યું હતું એ ચંદ્રતાલ તળાવ અમારી ચક્ષુ સમુ પ્રત્યક્ષ હતું..!! એ પળ ખરેખર અદભુત હતી..! આ જગ્યાની સુંદરતા જોઈ ને અમે બધા નિઃશબ્દ અને આભા બની ગયા..!! કોઈ કશું બોલે એમ જ નહોતું, થોડી વાર પછી સૌના ગળામાંથી અવાજ નીકળ્યો તો એ, એક જ હતો ...ઓહો..!! અકલ્પનીય..!! અદભુત..!! અવિસ્મરણીય..!!
કેમ કે આવો નજારો પેહલા ક્યારેય કોઈએ જોયો જ નહોતો..! આ જગ્યાની તો હું શું તમને વાત કરું..?? દૂર દૂર ચોમેર સફેદ દૂધ જેવી સફેદ બરફની ચાદર ઓઢીને અડીખમ ઉભેલા પહાડો ઉપર નિરભ્ર અને નિર્મળ વ્યોમ..!! તળાવના કિનારે લીલા છમ મેદાનો અને આ બધા ની વચ્ચે આપણું સુંદર બ્લુ રંગ વાળું ચંદ્રતાલ..!! બસ તમે એકીટસે જોયા જ કરો તો પણ તમારું મન તૃપ્ત ના થાય..! તળાવનું પાણી એટલું સ્વચ્છ હતું કે નીચેનું તળિયું એક દમ ચોખ્ખુ કાચ જેવું દેખાઈ રહ્યું હતું. અમે સૌ આ તળાવ કિનારે લગભગ અડધી કલાક બેઠા અને ખૂબ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી.
મને તો ચંદ્રતાલનું નિર્મળ જળ જોઈ તેમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે મે તો ધીમા પગલે ચંદ્રતાલમાં ઉતરી ને 5-6 ડૂબકી પણ મારી, પાણી અત્યંત ઠડુંગાર હતું..!! બરફ નું પાણી જ જોઈ લો..! જોકે, જોઈ શું લેવાનું પહાડ ઉપર થી બરફ પીગળતા જ પાણી નીચે વહી ને આવે એટલે બરફ નું પાણી હિમ જેવું ઠંડુ જ રેહવાનું ને..!! આવા અલૌકિક તળાવના હાડ થીજાવી દે'ય એવા ટાઢા બોળ પાણીમાં 5-10 મિનિટ સ્નાન કરીને, અહીંની મીઠી મધુરી ક્યારેય ન ભુલી શકાય એવી યાદો અને અદભૂત સંસ્મરણોને મનમાં સંઘરીને હું ધીમે રહી ને તળાવની બહાર નીકળ્યો સમય ઘણો વિતી ગયો હોવાથી અમે સૌ મિત્રો અમારા ટેમ્પો તરફ પરત ફર્યા. ટેમ્પો માં ગોઠવાય બાદ અમે થોડે દૂર આવેલા કુંનઝુમ પાસ પાસે આવેલા કુંનઝુમ માતા ના દર્શન કરી મનાલી તરફ આગળ વધ્યા કે જ્યાં અમારી હોટેલ પેહલે થી બુક હતી.
ચંદ્રતાલ તળાવનું અનોખું અદ્વિતિય, પ્રાકૃતિક સૌંદર્ય, તેનું પ્રશાંત અને અત્યંત શીતળ નીર આપણને એક દમ શાંતિ અને રોમાંચની અનુભૂતિ બક્ષે છે, તેમજ તેને કુદરતી સૌંદર્યથી ભરપુર હોય એવા સ્થળોની યાદી માં પ્રથમ હરોળમાં મૂકે છે. દુનિયાની ઝાકમઝાળ થી દુર મોબાઈલના નેટવર્કથી જોજનો દૂર પ્રકૃતિની શોધમાં નીકળતા સાહસિક લોકો માટે આ તળાવ અચૂક જોવા જેવું સ્થળ છે.
🔴 Dr Rushikesh Pandav
🟡 Falconwings Tourisam
🟢 A symbol Of Freedom
📱 9925231969
📱 9106666911