GONBO RANGJON
A GOD MOUNTAIN
🔵 લોકેશન : LUNGNAK VALLEY
🟤 પર્વતની ઉંચાઈ : 18,110 ફુટ
🟣 પર્વતનો બેઝ : 14,800 ફૂટ
🟢 જિલ્લો : લેહ-લદાખ
🔵 સ્થળનું નામ : ગોનબો રંગજોન
🟤 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ
🟢 પ્રવાસ તા. : 31-05-2025
🟡 લેખન કાર્ય : 29-06-2025
અત્યાર સુધીમાં મેં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સ્પીતિ, લેહ, તેમજ સિક્કિમ બાજુના ઘણા ઉંચા,નીચા અને લાંબા,ટૂંકા પહાડ જોયા હશે, પરંતુ આ પર્વત એ બધા થી કંઈક અલગ પ્રતીત થતો હતો, આ પર્વત એટલે કે GONBO RANGJON ..!! કે, જેનો દેખાવ જ એટલો આકર્ષક કે, તમે તેને મટકું માર્યા વિના એકીટસે જોયા જ કરો..!!
ગોનબો રંગજોન, લેહ લદાખના ZANSKAR પ્રાંતમાં આવેલી LUNGNAK VALLEYમાં આવેલો એક અતિ સુંદર પર્વત છે. અહીંના સ્થાનિક લોકો આ પર્વતને ખૂબ પવિત્ર માને છે તેમજ તેને મહાકાલ એટલે કે શિવનું સ્વરૂપ માને છે અને તેની પૂજા કરતા હોવાથી તે GOD'S MOUNTAIN ના નામથી પણ વિખ્યાત છે. અહીંના સ્થાનિક રહેવાસીઓ આ પર્વતને GUMBOK RANGAN (ગોમ્બોક રંજન) અથવા GONBO RANGAN (ગોનબો રંજન) નામથી પણ સંબોધે છે.
આ સુંદર મજાનો પર્વત મનાલીથી 150 કિમી દૂર તેમજ કારગિલથી 350-380 કિમી દૂર LUNGNAK VALLEY માં આવેલો છે, અહીં જવા માટે તમારે મનાલીથી આગળ વધતા રસ્તામાં ભાંગ, પલચન, બરવા, અટલ ટનલ, ટેલિંગ, લાબરંગ, સીસુ, કેલૉંગ, તાંદી, જીસ્પા, દારચા આ બધા ગામ વીંધીને શિંકુલા પાસ પહોચવું પડે છે જે 16,650 ફૂટની ઊંચાઈએ આવેલ છે, અહીં ઓક્સિજન નું લેવલ પ્રમાણમાં ખૂબ ઓછું હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે, સારી ફિટનેસ ધરાવતા સાહસિકોને તો વાંધો નહીં આવતો પરંતુ નવા નિશાળિયાને થોડી ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ શિંકુલા પાસ ઓળંગીને લગભગ એક કલાકની મુસાફરી કર્યા બાદ દૂર થી જ આ સુંદર મજાનો અતિ રળિયામણો પહાડ GONBO RANGJON દેખાવા લાગે છે.
આ વખતેના ગરમીના વેકેશનમાં ઠંડક માણવા માટે અમે એક અલગ ઓફબિટ ટુરનું આયોજન કર્યું હોવાથી અમે સૌ 20 મિત્રો અને બધાંના બાળકો મળી ને કુલ 28 લોકો અમદાવાદથી જલંધર રેલ્વે સ્ટેશને પહોંચ્યા ત્યાં પહેલેથી મેં બુક કરેલા બે ટેમ્પો ટ્રાવેલર ઊભા હતા. જલંધર સ્ટેશને ટ્રેન સવારે 10 વાગે ઊભી રહી એટલે અમે સૌ ટ્રેન માંથી ઊતરીને ટેમ્પોમાં બેઠા અને ત્યાર બાદ કુલુ, મંડી, ભૂંતર, મનાલી, અટલ ટનલ ક્રોસ કરીને લાંબી મુસાફરી બાદ રાતે 9:00 વાગે, અમે સૌ સીસુ ગામમાં પહોંચ્યા. જ્યાં મારી એક મિત્ર નીતુ અગ્રવાલ (મૂળ ગુજરાતી) ની હોટલ મેં બુક કરી હતી. અમે સૌ સવારના મુસાફરી કરતા હોવથી સૌને ખૂબ ભૂખ લાગી હોવાથી મેં પેહલેથી નક્કી કર્યા મુજબ કાઠિયાવાડી જમવાનું તૈયાર હતું. સૌ મિત્રોએ ભરપેટ ભોજન લીધા બાદ ત્યાં હોટલમાં જ રાત્રિ રોકાણ કર્યું. બીજે દિવસ સવારે GONBO RANGJON જવાનું હોવાથી અમે સમય ન બગડતા સૌ પોત - પોતાની રૂમમાં સૂવા માટે જતા રહ્યા.
સવારે 10:00 વાગે અમે સૌ ભરપેટ નાસ્તો કરીને સીસુ ગામથી નીકળ્યા બાદ જીસ્પા, દારચા થઈને લગભગ બપોરે 2:00 વાગે અમે શિંકુલા પાસ પહોંચ્યા આટલી ઊંચાઈ ઉપર ઘણા મિત્રો જીવનમાં પહેલી વાર ગયા હોવાથી શ્વાસ લેવામાં થોડી ઘણી તકલીફ પડવા લાગી પરંતુ અહીં થોડો રેસ્ટ લઈને અમે GONBO તરફ આગળ વધ્યા. થોડીવારમાં એક સુંદર ગામ આવ્યું. એનું નામ KARGIYAK VILLAGE, લગભગ 15-20 ખોરડા હશે આ ગામમાં ..!! આ ગામની સીમ માંથી જ GONBO ના દર્શન થતા હતા. આ ગામથી ગોનબો 16 કિમી દૂર હોવા છતાં તમને આટલા દૂર થી પણ આ પર્વત સ્પષ્ટ દેખાવા લાગે છે. આ 16 કિમી અંતર કાપ્યા બાદ આખરે GONBO RANGJON આવી ગયો, કે જ્યાં જવા માટે હું છેલ્લા 2 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. આ જગ્યા જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ખુલે છે એટલે તમે મે મહિનામાં અહીં આવવાનું વિચારતા હોઈ તો એ શક્ય નથી કેમકે અહીં આવવાનો રસ્તો જ બંધ હોય છે તેમજ અહીં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા પણ હોતી નથી. અહીં પહોંચવાનો રસ્તો જૂન મહિનામાં ખુલે છે અને ઓક્ટોબરના અંત સુધી તમે અહીં સુધી જઈ શકો છો ત્યારબાદ ઠંડી અને ભારે સ્નોફોલને લીધે રસ્તાઓ બંધ હોવાથી આર્મી વાળા તમને અહીં આવવાની મંજૂરી આપતા નથી.
કરગીયાક ગામ નજીક આર્મીની ચેકપોસ્ટ છે ત્યાંથી મંજૂરી લઈને થોડીવારમાં અમે બધા બપોરે ત્રણ વાગ્યાની આજુબાજુ GONBO પહોંચી ગયા હોઈશું.
અહીં રહેવા માટે કોઈ હોટલની વ્યવસ્થા ન હોઈ, મેં પેહલેથી KARGIAK CHU નદી કિનારે સ્વિસ ટેન્ટ 🎪 બુક કરેલા હતા. એટલે અમે સૌ પોતપોતાના ટેન્ટ માં ગયા અને સાંજે 5 વાગે ફ્રેશ થઈ ને બહાર આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હોવાથી અમે ઘરેથી સાથે લઈને ગયા હતા એ કેસર કેરીનું બોક્સ કાઢ્યું અને ધરાઇ ને કેરી ખાધી અને નાસ્તો કરીને નજીકમાં નદી કિનારે ટહેલવા નીકળી પડ્યા.
સાહસિક મિત્રો અને ટ્રેકર મિત્રો દ્વારા આ સુંદર જગ્યાનાં ગુણગાન સાંભળ્યાં હતા એના કરતાં પણ વિશેષ આકર્ષક હતી આ લુંગનાક વેલી અને તેમાં અડીખમ ઊભેલો આ GONBO...!!
આપણે સૌ નાના હતા ત્યારે ડ્રોઈંગ બુકમાં જેવું કુદરતી દ્રશ્ય દોરતા, એવું આબેહૂબ ચિત્ર અમારી આંખો સામે હતું..!! એકલા અટુલા અણીદાર ઊંચા પર્વત Gonbo ની બાજુ માંથી સર્પાકાર ખળખળ વહેતી Kargiyak Chu નદી આજુ બાજુમાં સફેદ બરફની ચાદર ઓઢેલા નાના મોટા પહાડ, થોડે દૂર ઘાસના મેદાનો અને મેદાનોમાં ઘાસ ચરતી ગાયો એટલે (યાક) નજીકમાં નાના નાના ઘર જેવા લાલ, પીળા અને વાદળી ને કાળા કલરના કપડાથી મઢેલા ટેન્ટ, અસલ કુદરતી દ્રશ્ય જ જોઈ લો...!! આવુ અદભૂત નયનરમ્ય દ્રશ્ય અમારી સૌની આંખોમાં ઉતરીને જાણે મગજમાં છપાઈ જ ગયું..!! આવો અલક્પનીય રમણીય અને નૈસર્ગિક સૌંદર્યથી છલકતો નજારો અમે જોતા જ રહી ગયા...!! અમે સૌ મિત્રો ગોનબો પાસે થી નીકળી ને કરગીયાક ગામ તરફ જતી મધુર અવાજ કરતી કરગીયાક છું નદી કિનારે એક-બે કલાક બેઠા અને આ જગ્યાની સુંદરતાને આંખોમાં કેદ કરીને અમે સૌ જલ્દી જલ્દી અમારા ટેન્ટ તરફ પરત ફર્યા કેમ કે સાંજ પડી ગઈ હતી અને ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું, લગભગ 2-3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું હશે. એકાદ કલાકમાં કિચન ટેન્ટ માંથી સાદ આવ્યો કે જમવાનું રેડી છે, રાતના આઠ વાગી ચૂક્યા હોવાથી અમારામાંથી ઘણા ખરા તો ઠંડીને લીધે જમવા માટે પણ ટેન્ટમાંથી બહાર જ ના નીકળ્યા અને બાકીના મિત્રો પેટ ભરીને જમ્યા બાદ સૌ સૌ ના ટેન્ટ માં પરત ફર્યા. ધીમે ધીમે રાત્રિનું તાપમાન નીચે સરકવા લાગ્યું રાતે બે વાગે લગભગ તાપમાન માઇનસમાં જતું રહ્યું હતું એવું સવારે ત્યાંના લોકો દ્વારા જાણવા મળ્યું હતું. સવાર પડતા બધા મિત્રોના મોઢે એક જ વાત હતી આટલી ઠંડી ક્યારેય જોઈ નથી. સવાર પડતા કુમળો તડકો જોઈ, સૌ પોતપોતાના ટેન્ટ માંથી બહાર આવવા લાગ્યા. સવારનો નાસ્તો કરી અમે સૌ GONBO પર્વતની તળેટી સુધીનો બે-કિમીનો પગપાળા ટ્રેક કર્યો. કુમળા તડકામાં સવારની ગુલાબી ઠંડી સાથે સુસવાટા ભર્યા પવનનો સામનો કરતા કરતા અમે આ પર્વત સમીપ આગળ વધ્યા. નજીક જઈને સૌ એ ખૂબ ફોટોગ્રાફી અને ખૂબ મસ્તી કરી. GONBO RANGJON ને ખૂબ ખૂબ નજીકથી માણતાં હતા, ત્યાં બે કલાક માં અચાનક હવામાન બદલવા લાગ્યું સુસવાટા મારતો સૂકો પવન અચાનક એકદમ ઠંડો થઇ ગયો વાતાવરણ અચાનક ઠંડું થવા લાગ્યું અને થોડી વાર માં તો રૂ ની પુણી જેવો સ્નો પડવા લાગ્યો, અમારી ખુશીનો પાર ન રહ્યો, અમારા માંથી 2-3 મિત્રો ને બાદ કરતાં લગભગ કોઈ એ સ્નોફોલ જોયો નહોતો એટલે, એ બધા મિત્રો તો ખૂબ આનંદ માં આવી ગયા. થોડીવાર માં તાપમાન શૂન્ય ડિગ્રી નીચે સરકવા લાગ્યું અને ઠંડી થી બચવા બાળકો અને તેમની મમ્મીઓ જલ્દી જલ્દી ટેમ્પોમાં બેસી ગયા, અમે સૌ દોસ્તોએ થોડીવાર સ્નોફોલ માં મસ્તી કરી અને ખૂબ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી અને ટેમ્પોમાં સૌ સૌની જગ્યા એ ગોઠવાઈ ગયા. આ સુંદર મજાના સ્થળોએ વિતાવેલી મધુર પળોને હૃદયના એક ખૂણામાં સંઘરી ને સૌ આગળ ના સ્થળ PHUKTAL MONESTERY તરફ જવા પ્રયાણ કર્યું.
🔴 Dr Rushikesh Pandav
🟡 Falconwings Tourisam
🟢 A symbol Of Freedom
📱 9925231969
📱 9106666911
🔴 www.falconwings.in
🟠 falconwingstours@gmail.com