PADUM VILLAGE

ZANSKAR VALLEY

🔵 લોકેશન : ઝાંસ્કાર વેલી

🟤 સ્થળની ઉંચાઈ : 12,037 ફુટ

🟣 નદી કિનારો : ઝાંસ્કાર નદી

🟢 જિલ્લો : કારગિલ

🔵 સ્થળનું નામ : પદુમ ગામ

🟤 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ

🟢 પ્રવાસ તા. : 1-06-2025

🟡 લેખન કાર્ય : 7-07-2025

કારગિલ જીલ્લામાં ઝાંસ્કાર તાલુકામાં આવેલા આ પદુમ ગામની મુલાકાત લેવાની ઈચ્છા તો છેલ્લા ત્રણ વર્ષથી હતી, પરતું સમય અને સંજોગો સાથ ન આપતા દર વખતે અહીં જવાનું મૂલતવી રાખવું પડતું હતું, કેમ કે આ સ્થળ પર પહોચવું પ્રમાણમાં થોડું વધારે અઘરું છે. આ સ્થળ ચંડીગઢથી 560 કિમી, મનાલીથી 250 કિમી, શ્રીનગર થી 485 કિમી તેમજ કારગિલથી 270 કિમી દૂર અલૌકિક એવી ઝાંસ્કાર વેલીમાં વસેલું છે. અહીંના સર્પાકાર, પર્વતાળ, કાચા-પાકા રસ્તાઓમાં લાંબો સમય મુસાફરી કરીને અત્યંત ઠંડા વાતાવરણમાં 12,000 થી 16,500 ફુટ કરતાં વધુ ઊંચાઈએ જઈને હરવું, ફરવું, ટ્રેકિંગ કરવું ને રાત્રિ રોકાણ કરવું, એ બધા લોકો માટે શક્ય નથી. આ કારણસર, પ્રકૃતિ પ્રેમી, સાહસિક અને મજબૂત મનોબળ ધરાવતા એડવેન્ચર પ્રેમીઓ જ અહીં ફરવા આવે છે.

અમે બધા રહ્યા સાહસિક અને એડવેન્ચરના શોખીન જીવડા..!! અને વળી આ વખતે અંજળ પાણી હશે એટલે અમને સૌને આ જગ્યાએ જવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો ..!!

અમારા પ્રવાસની વાત કરીએ તો, ૨૦૨૫ ના મે મહિનાના અંતમાં અમે અમદાવાદથી જલંધર પહોચ્યા અને ત્યાંથી મંડી, ભૂંતર, કુલુ થઈને મનાલી પહોંચ્યા. મનાલીથી અટલ ટનલ ઓળંગીને સીસું ગામ પહોંચ્યા. સીસુ ગામમાં રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે આગળ વધતા તાંદી ગામ આવ્યું, આ એજ પૌરાણિક ગામ કે જ્યાં વશિષ્ઠ ઋષિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તાંદી ગામને અમે ગયા વર્ષે જ ખૂંદી નાખ્યું હોવાથી અહીં વધારે સમય ન બગડતા આ ગામ માંથી જેમને જરૂર હતી એવા મિત્રોએ જરૂરી ગરમ કપડાં અને શૂઝ અને હાથના મોજાની ખરીદી કરીને અમે જીસ્પા ગામ થઈને દારચા ગામ પહોંચ્યા. દારચા ગામ પાસે આર્મીની ચેકપોસ્ટ આવે છે, ત્યાંથી આપણે આગળના પ્રવાસની મંજૂરી એટલે કે પરમિટ લેવાની હોય છે, કેમ કે અહીં હિમાચલની બોર્ડર પૂરી થાય છે અને લેહની શરૂઆત થાય છે. અહીં મેં અમારા બંને ટેમ્પો ટ્રાવેલરના 28 મિત્રોની નોંધણી કરાવડાવી. ચેક પોસ્ટ વટાવ્યા બાદ અહીંથી બે રસ્તા પડે છે એક જમણી બાજુનો રસ્તો દીપક તાલ, ઝિંગ ઝિંગ બાર, સૂરજ તાલ, અને બારાલાચા પાસ થઈને લેહ લદાખ જાય છે, તેમજ ડાબી બાજુનો રસ્તો શિંકુલા પાસ થઇ ગોનબો રંગજોન, કરીગિયાક ગામ થઇને પૂરણે ગામ જાય છે, અને ત્યાંથી બીજા બે રસ્તા છે, એક રસ્તો PHUKTAL MONESTERY તરફ જાય છે, ને જો બીજે રસ્તે TSARAP નદીની ધારે ધારે આગળ વધીએ તો પદુમ ગામ આવે છે.

અમે જલંધરથી નીકળ્યા બાદ તમામ સ્થળોની મુલાકાત લેતા લેતા અને રાત્રિ રોકાણ કરતા કરતા 3 દિવસ પછી પુરણે ગામ પહોંચ્યા, ત્યાં રાત્રિ રોકાણ કરી બીજે દિવસે અમે PHUKTAL Monestery ની મુલાકાત લઈને અમે બપોરે 3 વાગ્યે પુરણે ગામથી પદુમ જવા નીકળ્યા. 80 કિમીનો કાચો પાકો રસ્તો કાપતા અમારે પાંચ કલાકનો સમય થયો. આ માર્ગ માં જ ઐતિહાસિક ધરોહર એવી બે MUNEY MONESTERY અને BARDAN MONESTERY નામના બે બૌધ્ધ ધર્મસ્થાન એટલે કે ગોમ્પા આવે છે અને તેના પછી 20 કિમી અંતર કાપતા જ આ PADUM ગામ આવે છે. અમે ચોથા દિવસે લગભગ રાતે 8 વાગે પદુમ પહોંચ્યા હોઈશું. ત્યાં મેં પહેલેથી એક હોટલ બુક કરી હતી, ત્યાં જ અમે સૌ મિત્રોએ રાતનું વાળું કરીને રાત્રિરોકાણ કર્યું.

કારગિલ જીલ્લામાં ઝાંસ્કાર તાલુકામાં આવેલું આ પદુમ ગામ ચારેય બાજુથી સફેદ બરફની ચાદરોથી મઢેલા પર્વતોથી ઘેરાયેલું છે. અને દરેક પર્વતો ઉપર નાના મોટા 20-25 ઘરના કસ્બા આ સ્થળને અનેરી સુંદરતા બક્ષે છે. અમે વહેલી સવારે આ ગામ માં આંટો માર્યો ને જોયું કે ઉંચા પર્વતો પરથી બરફ પીગળતા ઠેક-ઠેકાણે નાના મોટા વોકળા ખળ ખળ કરતા અવિરત વહી રહ્યા હતા. ઉંચા પર્વતોની ધારેથી થતા સૂર્યોદયના રૂપેરી કિરણો વહેતા શીતળ પાણીની નજીક ઉગેલા લીલાછમ ઘાસ પર પડતા તેના પર બાઝેલા ઝાકળના બિંદુઓ જાણે ચાંદીના મોતીની જેમ ચળકી ઉઠતા હતા. ચોમેર ઘાસના મેદાનોમાં ગાય અને ઘેંટા ચરતા હતા, આ બધું પરોઢિયાને અનેરી સુંદરતા બક્ષતું હતું.

વહેલી સવારે હજુ ગામમાં ચહલ પહલ ચાલુ થઈ નહોતી, થોડા થોડા અંતરે બે-ચાર માણસો નજરે પડતા હતા. અમે હોટલથી એક-બે કિમી દૂર ચાલીને એક સુંદર વોકળાના મધુર ધ્વનિને સાંભળતા નજીકમાં એક પથ્થર ઉપર શાંતિથી બેઠા અને લાંબો સમય આ ગામની સુંદરતાને નિહાળી. પછી આ વોકળાની ધારે ધારે થોડા આગળ વધીને અમે અમારી હોટલ તરફ પરત ફર્યા.

(વોકળું એટલે પર્વતો માંથી જે ઝરણું ઊંચાઈએથી પડે છે, એ સપાટ જમીન ઉપર નાનકડી નદી સ્વરૂપે વહે તેને વોકળું કહેવામાં આવે છે.)

પદુમની આજુ બાજુ 100 કિમી વિસ્તાર માં અતિ રળિયામણા અને પ્રાકૃતિક સૌંદર્યો થી ભરપૂર હોય એવા ઘણા દુર્લભ સ્થળો આવેલા છે. એ સ્થળોની વાત કરીએ તો, કરશે ગામમાં આવેલ કરશે ગોમ્પા, સની ગામ માં આવેલું સની લેક, શીલા ગામ માં આવેલ શીલા વોટરફોલ, ઝાંગલા વિલેજ તેમજ આ ગામમાં આવેલો 17 મી સદીનો પેલેસ, ઝાંગલા ગામમાં આવેલ વિશ્વની એક માત્ર ફિમેલ ગોમ્પા કે, જે Changchub Choling Monastery ના નામથી ઓળખાય છે. એ સિવાય પેન્સિલા પાસ, આ પાસથી અડધા થી એક કિમી દૂર આવેલ Lang_TSO અને Stat_TSO નામ ના સફેદ સ્નોથી ઘેરાયેલા બે સુંદર તળાવ, રંગડુમ_વિલેજ, અને ત્યાં આવેલ રંગડુમ મોનેસ્ટરી, DRANG_DRUNG_GLACIER કે, જે ઝાંસ્કાર નદી નું ઉદગમ સ્થાન છે. એ સિવાય Muney Monestery, Bardan Monestery, Stongdey Monestery, Icher village, ReRu village, Tsarap રિવર અને Zanskar રિવર જેવા ઘણા સુંદર જોવાલાયક સ્થળો આવેલા છે. આ બધા સ્થળોની શાંતિથી મુલાકાત લેવી હોય તો તમારે ઓછામાં ઓછા ચાર થી પાંચ દિવસ પદુમ ગામમાં રોકાવુ પડે. અમે ઉપરના તમામ સ્થળોની બારીકાઈથી મુલાકાત લીધી, તેની વિસ્તૃત જાણકારી, હું તમને મારા આગળના લેખમાં આપીશ.

આ પદુમ ગામમાં મોટાભાગે તિબેટીયન બૌદ્ધ વંશના લોકો વસે છે જે બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. એ સિવાય અહીં 20 ટકા મુસ્લિમ વસ્તી પણ છે. આ બધા મળીને કુલ 2000-2500 લોકોની વસ્તી આ ગામમાં વસવાટ કરે છે. અહીંના લોકોનો મૂળ વ્યવસાય ખેતી અને પશુપાલન છે, તેમજ છેલ્લા ઘણા સમયથી અહીં ટૂરિસ્ટોનું પ્રમાણ વધ્યું હોવાથી ઘણા ખરા હોટલ અને હોમ સ્ટેના વ્યવસાય સાથે પણ જોડાવા લાગ્યા છે. પદુમ ગામ લદાખમાં આવતું લેહ પછીનું સૌથી મોટું ગામ છે, તેમજ તેને જિલ્લો બનાવવાની કવાયત પણ ચાલુ છે.

મનાલીથી પદુમ - હિમાચલ - લેહની રાજ્યની પરિવહનની બસ ૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ચાલે છે. ત્યારબાદ ભારે બરફવર્ષાને કારણે રસ્તો બંધ હોવાથી આ પરિવહન બંધ કરવામાં આવે છે.

અમે 28 લોકો જ્યારે અહીં ફરવા ગયા ત્યારે પદુમ-દારચા રોડનું નિર્માણ ખૂબ જોરશોર થી ચાલી રહ્યું હતું. અડધો રસ્તો એટલે કે દારચાથી પૂરણે સુધીનો ડામરનો પાકો રસ્તો બની ગયો હતો, કામની ઝડપ જોતા એવું લાગી રહ્યું હતું કે પૂરણે ગામથી પદુમનો પાકો રસ્તો લગભગ 2025 ના અંત સુધીમાં બની જ જશે. અહીંના લોકો લાંબા સમયથી મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટથી વંચિત હોવાથી Jio એ તેની 4G કનેક્ટિવિટી પૂરી પાડવાનું શરૂ કર્યું છે, અને હવે Padum પણ 4G નેટવર્ક સાથે જોડાયેલ છે, પણ હજુ અહીં પોસ્ટપેડ કાર્ડ જ ચાલે છે. જે વાત અહીં જનાર પ્રવાસીઓ એ ધ્યાનમાં રાખવા જેવી છે.

🔴 Dr Rushikesh Pandav

🟡 Falconwings Tourisam

🟢 A symbol Of Freedom

📱 9925231969

📱 9106666911

🔴 www.falconwings.in

🟠 falconwingstours@gmail.com