રાઝદાન પાસ
🟡 સ્થળ : રાઝદાન પાસ
🔴 રાજ્ય : જમ્મુ કાશ્મીર
🔵 જીલ્લો : બાંદીપોરા
🟤 નજીકનું ગામ : કાંઝલવાન
🔴 સમુદ્ર સપાટીથી ઉંચાઈ : 11,672 ફૂટ
🟡 www.falconwings.in
🔵 પ્રવાસ તા. : 02-06-26
🟤 લેખન કાર્ય : 24-06-26
અમારા કાશ્મીર પ્રવાસનો આ સાતમો દિવસ હતો, અને આજે અમારે પહેલગામથી 175 કિમી દૂર આવેલ રાઝદાન પાસ જવાનું હોવાથી પહેલગામની હોટલ ચેક આઉટ કરી વેહલી સવારે નાસ્તો કરીને અમે 47 મિત્રો અને તેમના ફેમિલી મેમ્બર્સ સૌ સૌની બસમાં ગોઠવાયા. ત્યાર બાદ અમે રાઝદાન પાસ તરફ પ્રયાણ કર્યું. લગભગ 2 કલાક પછી શ્રીનગર આવ્યું, અહીંથી રાઝદાન પાસ 130 કિમી દૂર હોવાથી અહીં વધારે સમય ન બગાડતા અમે આગળ વધ્યા. શ્રીનગરથી રાઝદાન પાસ જતા રસ્તામાં ગાંદરબલ માનસબલ, સફાપોરા, સુમ્બલ ,બાંદીપોરા, અજાસ જેવા ઘણા ગામ આવે છે. ઉપર નામ આપ્યા એ બધા ગામ સૌથી વધારે જાણીતા છે, ખાસ કરીને બાંદીપોરા, અજાસ ગામની આસપાસના વિસ્તારોમાં ચેરી, અખરોટ, સફરજન અને કાળા મોટા શેતૂરના ઘણા બગીચાઓ આવેલા છે. રસ્તામાં ઉપર જણાવ્યા એ બધા નાના-મોટા ગામો વીંધતા વીંધતા અમે આગળ વધતાં હતા. અચાનક રસ્તાની બંને બાજુ ચેરીના બગીચાઓ, શેતૂરના ઝાડ અને સફરજનની વાડીઓ દેખાવા લાગી. ફળોથી લચી પડેલી ડાળીઓ જાણે પ્રવાસીઓને આવકારવા માટે જ ઝૂકી ગઈ હોય એવું લાગતું હતું.
એક વાડીમાં ચેરી અને શેતૂર ના ઝૂમખાઓ લુમેઝુમે લટકતા જોઈ અમે સૌએ વાડીમાં જવાનું નક્કી કર્યું, વાડી પાસે બસ ઊભી રાખીને મેં, વાડીમાં હાજર બે ત્રણ ખેડૂતો પાસે વાડીમાં અંદર આવવાની પરવાનગી માંગી, ત્યાંના ઉદાર ખેડૂતોએ અમને હસતાં મોઢે આવકાર્યા અને કહ્યું "જેટલી ખાવી હોય એટલી ચેરી તોડીને ખાઓ. કોઈ ચિંતા નથી" પછી તો અમે સૌ બાળક બની ગયા અને લાલચટ્ટાક ચેરીઓ ડાળી પરથી તોડી તોડીને ખૂબ ધરાઈને ખાધી અને ખૂબ ઓછી કિંમતે અમને ચેરીના બોક્સ આપતા અમે 20 -25 બોક્સ ખરીધ્યા. એવી જ રીતે આગળ જતા શેતૂરનું ફાર્મ આવતા રસથી ભરપૂર અને મધ કરતાં પણ મીઠાં શેતૂર ખૂબ તોડ્યા ને ખૂબ ખાધા. એ મોટા કાળા રસદાર શેતૂરનો સ્વાદ તો જીવનભર યાદ રહી જાય એવો હતો. બાળકો તો રાજીના રેડ થઈ ગયા કેમ કે આવી લાલ મીઠી ચેરી અને કાળા રસદાર શેતૂર ઝાડ પરથી સીધા જો ખાવા મળ્યા હતા...!! જે અમારા સૌ માટે, ખરેખર યાદગાર પળ બની ગઈ હતી.
કાશ્મીરના છેવાડાના ગામડામાં વસતા લોકોની આત્મીયતા અને મહેમાનનવાજી દિલમાં સદાકાળ માટે અંકિત થઈ ગઈ, જે મને તો ખાસ કલ્પના જ નહોતી...! સફરજનની સીઝન હજુ આવી ન હોવાથી તે હજુ ઝાડ પર કાચા લટકતા હતા પણ લાલચોળ ચેરી અને મસ-મોટા શેતૂર પેટ ભરીને ખાઈને અમે સૌ રાઝદાન પાસ તરફ જવા ફરી બસ માં બેઠા.
આનંદની આ સફર આગળ વધતી રહી, રસ્તાની બંને બાજુ હરિયાળાં ખેતરો, પવનમાં લહેરાતા પોપલર અને કાશ્મીરી વિલોના વૃક્ષો, શંકુદ્રમ જંગલો, બરફાચ્છાદિત શિખરો અને વાદળોની ઓઢણી ઓઢેલા પહાડો મનને મંત્રમુગ્ધ કરતા હતા. થોડું અંતર કાપ્યું હશે ત્યાં ડાબી બાજુએ વિશાળ અને રમણીય વુલર સરોવર નજરે પડ્યું. (Wular Lake) વુલર સરોવર એ ભારતના સૌથી મોટા મીઠાં પાણીના સરોવરો માંનું એક છે. જે આશરે 5,180 ફૂટની ઊંચાઈએ આવેલું તેમજ આશરે 200 સ્કેવર કિમી માં ફેલાયેલું આ સરોવર ઝેલમ નદીના જળથી સર્જાયેલું છે. અહીં અમે 15 મિનિટ જેટલું સ્ટોપ લીધું, વૂલર લેક પાસે ફોટોગ્રાફી કરીને અમે આગળ વધ્યા. લગભગ અહીંથી 58 કિમી આગળ વધતા, દોઢ બે કલાકમાં અમે સૌ Razdan Pass પહોંચી ગયા.
સમુદ્ર સપાટીથી આશરે 11,672 ફૂટની ઊંચાઈએ આવેલો સુંદર મજાનો આ પાસ છે. અહીં પહોંચતાં જ ઠંડો, નિર્મળ પવન ચહેરાને સ્પર્શી જાય છે અને ચારે તરફ હિમાચ્છાદિત પર્વતોનું અલૌકિક સૌંદર્ય આંખોને મોહી લે છે...!! એવું લાગે કે ધરતીએ સફેદ રેશમી શાલ ઓઢી હોય અને આકાશે સફેદ વાદળો રૂપી ફૂલો ના ગુલદસ્તાથી તેનું સ્વાગત કર્યું હોય.
આ એક પર્વતીય પાસ નથી , તે કાશ્મીર અને ગુરેઝ વચ્ચેનું પ્રવેશદ્વાર ગણાય છે. આ રસ્તો તુલૈલ અને ગુરેઝ વેલીને સમગ્ર કાશ્મીર સાથે જોડતો મુખ્ય રસ્તો છે.
અહીંથી દેખાતાં પર્વતો, ઊંડી ખીણો, બરફથી ઢંકાયેલા શિખરો અને સફેદ વાદળોથી ઘેરાયેલું નિર્મળ આકાશ કુદરતના વૈભવની અનુભૂતિ કરાવે છે. નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં થતી ભારે હિમવર્ષાને કારણે આ રસ્તો બંધ થઈ જાય છે. આખો શિયાળો આ પાસ બંધ રહેતો હોવાથી આ સમયે સડક માર્ગે ગુરેઝ વેલી જઈ શકાતું નથી. મેં મહિનાના બીજા સપ્તાહથી બરફ પીગળવાની શરૂઆત થતા આ પાસ આર્મી દ્વારા વધારાનો બરફ હટાવીને અહીંનો રસ્તો ખોલવામાં આવે છે, તેમજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે છે.
એટલે જો તમારે સડક દ્વારા ગુરેઝ વેલી જવું હોય તો તમારે મેં મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહ પછી અથવા જૂન જુલાઈમાં જવાનું આયોજન કરવું પડે. હવામાન બદલાતા એટલેકે કદાચ મે મહિના માં હિમવર્ષાનું પ્રમાણ વધે તો એ મુજબ ક્યારેક તારીખોમાં ફેરફાર પણ થઈ શકે છે, જે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
રાઝદાન પાસ પહોંચતા જ બધા મિત્રો અને તેમના બાળકો ખૂબ ખુશ થઈ ગયા કેમકે અહીં પુષ્કળ પ્રમાણમાં સ્નો હતો. સ્નોમાં બધા એ બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકીને માર્યા તેમજ અહીં ભરપૂર મસ્તી કરી અને ખૂબ ફોટોગ્રાફી કરી.
અહીં લગભગ એકાદ કલાક જેટલો સમય વિતાવ્યા પછી અમે સૌએ છેલ્લી વખત આ અદભુત દ્રશ્યોને આંખોમાં કેદ કરી લીધાં. ત્યારબાદ અમે ધીમે ધીમે પર્વતોની ગોદમાંથી નીચે ઉતરવા લાગ્યા અને સ્વર્ગ સમી ગુરેઝવેલી તરફ જવા આગળ વધ્યાં.
એ ક્ષણે મનમાં એક જ વિચાર આવ્યો, કે કાશ્મીર માત્ર ફરવા અને જોવાની જગ્યા નથી, તે તો પ્રકૃતિને હૃદયથી અનુભવવાની ધરા છે. અહીંનું દરેક વૃક્ષ, પવનનું દરેક ઝોકું, ઊંચા નીચા દરેક પહાડો, આ બધું જોઈને આપણા ચેહરા ઉપર આવતું દરેક સ્મિત આપણા જીવનમાં નવી તાજગી, નવી ઊર્જા અને નવી ચેતના ભરી દેય છે, તેમજ આપણને કુદરત પ્રત્યેના અખૂટ પ્રેમના તાંતણે બાંધી દેય છે...!! શ્રીનગરથી રાઝદાન ટોપ અને ત્યાંથી ગુરેઝ સુધીની આ સફર અમારા જીવનની એવી અમૂલ્ય સ્મૃતિ બની ગઈ, જે સમયના વહેણમાં પણ ક્યારેય ઝાંખી નહીં પડે.
🔴 ✒️ Dr Rushikesh Pandav
🟡 Falconwings Tourisam
🟢 A symbol Of Freedom
📱 9925231969
📱 9106666911