સિંધ નદી
🟡 નદીનું નામ : સિંધ નદી
🔴 રાજ્ય : જમ્મુ કાશ્મીર
🔵 જીલ્લો : ગાંદરબલ
🟤 નજીકનું ગામ : સોનમર્ગ
🟡 ઉદ્ભવ સ્થાન : મચોઇ ગ્લેસિયર
🔵 લેખક : 🖋️ ડૉ ઋષિકેશ પાંડવ
🔴 ઊંચાઈ : 15,750 ફૂટ
🟡 www.falconwings.in
🟢 falconwingstours@gmail.com
હિમાલયના શ્વેત મુગટમાંથી ટપકેલા અમૃત સમાન જળને પોતાની ગોદમાં ધારણ કરી, પર્વત ઉપરથી નીચે ઊતરીને સોનમર્ગના સુવર્ણ મેદાનોને સ્પર્શતી આ સિંધ નદી કુદરતની એક અનેરી બક્ષિસ છે. તેની ખળખળ વહેતી ધારા પહાડોની નિશ્ચલતા સાથે સંવાદ કરે છે, તો ક્યારેક ગર્જનાભેર વહેતી તેની લહેરો હિમાલયની અપરિમિત શક્તિનો પરિચય કરાવે છે.
અમારા કાશ્મીરના પ્રવાસનો આ દશમો દિવસ હતો, અમે સોનમર્ગ માં સિંધ નદી કાંઠે આવેલ એક સુંદર હોમ સ્ટે માં રોકાયા હતા. અમારા રૂમની બારી ખોલતા જ સામે મધુર ગુંજન કરતી સિંધ નદીના દર્શન થતા હતા. આ હોમ સ્ટેની નજીક થી જ ટ્રેક ની શરૂઆત થતી હોવાથી હું મારો છોકરો શૌર્ય અને મારા બે ભત્રીજા વેહલી સવારે સોનમર્ગથી, થજીવાસ ગ્લેસિયરનો ટ્રેક કરવા માટે નીકળ્યા, આ ગ્લેશિયર સુધી પહોંચવા અમે એક પર્વત ઓળંગીને આ સિંધ નદી સુધી પહોંચ્યા, આ સિંધ નદીના કિનારે કિનારે ચાલતા ચાલતા અમે ગ્લેશિયર તરફ આગળ વધવા લાગ્યા. નદીની બંને બાજુના કિનારે પથરાયેલી હરિયાળી તેમજ ઊંચા પાઇનના શંકુ આકારના લીલાછમ ઘટાદાર વૃક્ષો જોઈને અમે સૌ વિસ્મય પામી ગયા, કેમ કે અમે અત્યાર સુધીમાં અગણિત પ્રવાસ અને ટ્રેક કરી નાખ્યા હશે, પણ આટલી સુંદરતા ક્યારેય અમે હજુ સુધી કયાંય જોઈ નહોતી...!! નદીની બંને બાજુ ઘણા અશ્વ લીલુંછમ ઘાસ ચરતા હતા ઘોડીનું વછેરું ઘોડીનું દૂધ પીતું હતું, આજુ બાજુ ઘેટાંના ટોળા ઘાસ ચરતા હતા, ખૂબ સુંદર મજાનું આ એ દ્રશ્ય હતું..! આવા અગણિત દ્રશ્યોને આંખમાં ઉતારીને મનમાં કંડારતા કંડારતા અમે અમારી મંઝિલ તરફ આગળ વધવા લાગ્યા.
કાશ્મીર ફરવા જતા પર્યટકો આ સુંદરતાથી મોટે ભાગે વંચિત રહી જાય છે, કેમ કે, મોટા ભાગના પ્રવાસીઓ સોનમર્ગમાં રાત્રિ રોકાણ ન કરતા ફક્ત ડે-ટૂરનું આયોજન કરતા હોય છે, જેમાં એક દિવસમાં શ્રીનગરથી સોનમર્ગ ફરીને પરત શ્રીનગર પહોંચવાનું હોય છે. અને રહી બીજી વાત આ સુંદર સ્થળ 3-4 કિમી દૂર હોવાથી મોટાભાગ ના પર્યટકો ઘોડા ભાડે કરે છે, સોનમર્ગનું ઘોડાનું સ્ટેન્ડ છે ત્યાંથી થજીવાસ ગ્લેસીયર તરફ જતા જમણી બાજુએ આ સુંદર જગ્યા આવે છે, અહીં ટ્રેકિંગ કરીને જઈએ તો ખૂબ વધારે મજા આવે છે, જો કે ઘોડાપર બેસીને જવાનો પણ એક અલગ આનંદ છે, પણ ઘોડા વાળા અલગ રસ્તે થી લઈ જાય છે, તેમજ તેનો સમય પણ મર્યાદિત હોય છે, એટલે મોટાભાગના પર્યટકો આ સુંદર નજારાથી વંચિત રહી જાય છે. એટલે હવે તમે જ્યારે પણ કાશ્મીર જાવ ત્યારે સોનમર્ગમાં એક રાત્રિ રોકાણ અચૂક કરવું, અને વેહલી સવારે ટ્રેક કરી ને આ જગ્યા પર પહોંચી જજો. પરોઢિયે પહોંચીને જો તમે બે ત્રણ કલાક સમય વિતાવશો તો, આ સમય તમારા પ્રવાસનો અતિ શ્રેષ્ઠ સમય બની જશે એ વાત ચોક્કસ છે.
તમે કદાચ આ નદીનું નામ સાંભળી ને વિમાસણ માં પડી જ ગયા હશો ..! એટલે હું તમને અત્યારે જ જણાવી આપું છું કે, સિંધ નદી અને સિંધુ નદી (indus River) આ બંને અલગ અલગ નદીઓ છે.
અત્યારે હું, તમને જે નદીની વાત કરી રહ્યો છું, એ સિંધ નદી હિમાલયમાં 4800 મીટર ઊંચાઈએ આવેલા માચોઈ ગ્લેશિયર (Machoi Glacier) માંથી થાય છે. આ ગ્લેશિયર ઝોજીલા પાસ અને અમરનાથ વિસ્તારની નજીક આવેલો છે. અહીંથી જન્મેલી આ સિંધ નદી આગળ વધતા સોનમર્ગ, ગગનગીર, કંગન અને ગાંદરબલ જેવા પ્રદેશોમાંથી પસાર થાય છે. અંતે શાદીપોરા નજીક ઝેલમ નદીમાં સમાઈ જાય છે. આ નદીની કુલ લંબાઈ લગભગ 108 કિલોમીટર છે.
જ્યારે, સિંધુ રિવર એટલે કે indus River 3,180 કિમી લાંબી તેમજ કૈલાસ પર્વત પાસે આવેલ સેંગે ખાબબ વિસ્તાર માંથી નીકળે છે અને લડાખમાં પહોંચે છે અને અંતે નીચે ઊતરી ને એરિબિયન સમુદ્ર ને મળે છે. એટલે કે બંને અલગ અલગ નદીઓ છે.
હવે સિંધ નદી વિશે વાત કરું તો, આ નદીના હજારો વર્ષોથી સતત વહેતા જળપ્રવાહે હિમાલયના પર્વતોને કોતરીને એક અદભુત ખીણનું સર્જન કર્યું છે, જેને આજે સિંધ વેલી (Sind Valley) તરીકે ઓળખવામાં આવે છે. આ વેલી એટલે કે ખીણ દેવદાર, પાઇન અને ફરના જંગલો, અલ્પાઇન મેદાનો અને બરફીલા શિખરોથી છવાયેલી હોવાથી અતિ સુંદર દેખાય છે.
સિંધ નદીનું જળ અત્યંત સ્વચ્છ, શીતળ અને ખનિજોથી સમૃદ્ધ ગણાય છે. આ નદીમાં વિશ્વપ્રસિદ્ધ બ્રાઉન ટ્રાઉટ, રેઇનબો ટ્રાઉટ અને સ્નો ટ્રાઉટ જેવી માછલીઓ જોવા મળે છે, જેના કારણે વિશ્વભરના એન્ગલિંગ અને ફિશિંગ પ્રેમીઓ અહીં આકર્ષાય છે.
સિંધ નદીનો વિસ્તાર પ્રાચીન સમયમાં અત્યંત વ્યૂહાત્મક અને વેપારી મહત્વ ધરાવતો હતો. આ માર્ગ પ્રાચીન સિલ્ક રૂટનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જે કાશ્મીરને મધ્ય એશિયા, તિબેટ અને ચીન સાથે જોડતો હતો. વેપારીઓ, સાધુઓ, યાત્રાળુઓ અને સંસ્કૃતિઓ આ જ માર્ગે અવરજવર કરતા હતા. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને પછી ઇસ્લામના પ્રસાર માટે પણ આ માર્ગનું વિશેષ મહત્વ રહ્યું છે.
સિંધ નદી માત્ર સૌંદર્યનું પ્રતિક નથી પરંતુ કાશ્મીરની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ પણ છે. કાશ્મીરની ધરતી પર વહેતી આ નદી માત્ર જળધારા નથી, પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ, સાહસ અને જીવનનો અવિરત પ્રવાહ છે. તેના પાણીનો ઉપયોગ કૃષિ સિંચાઈ, પીવાના પાણી અને જળવિદ્યુત ઉત્પાદન માટે થાય છે. નદી પર અનેક હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કાર્યરત છે, જે સમગ્ર પ્રદેશને વીજળી પૂરી પાડે છે.
🔴 ✒️ Dr Rushikesh Pandav
🟡 Falconwings Tourisam
🟢 A symbol Of Freedom
🔵 પ્રવાસ તા. : 02-06-26
🟤 લેખન કાર્ય : 15-06-26
📱 9925231969
📱 9106666911