થજીવાસ ગ્લેશિયર ટ્રેક, સોનમર્ગ
🟡 સ્થળ : થજિવાસ ગ્લેસિયર
🔴 રાજ્ય : જમ્મુ કાશ્મીર
🔵 જીલ્લો : ગાંદરબલ
🟤 નજીકનું ગામ : સોનમર્ગ
🔴 સમુદ્ર સપાટીથી ઉંચાઈ : 9,186 ફૂટ
🔵 પ્રવાસ તા. : 02-06-26
🟤 લેખન કાર્ય : 24-06-26
કાશ્મીરની ધરતી પર વસેલું થજીવાસ ગ્લેસિયર જાણે પ્રકૃતિએ પોતાના હાથે વણેલું એક શ્વેત રેશમી વસ્ત્ર જોઈ લો...!!
આગળ જણાવ્યું એમ હું પોતે તેમજ મારો છોકરો શૌર્ય અને મારા બે ભત્રીજા તત્સમ અને સ્વરાજ, અમે ચારેય વહેલી સવારના સુવર્ણ કિરણો સાથે સોનમર્ગના બ્રિજ પાસેથી થજિવાસ ગ્લેસિયર તરફ જતી કેડી પકડી ટ્રેકિંગ કરવા નીકળી પડ્યા. આશરે ચારથી પાંચ કિલોમીટરનો ચઢાણવાળો રસ્તો અમારી રાહ જોતો હતો.
સોનમર્ગના હરિયાળા મેદાનોથી શરૂ થતો આ પ્રવાસ માત્ર એક ટ્રેક નથી, પરંતુ પ્રકૃતિના અપ્રતિમ સૌંદર્ય તથા વિરાટ વૈભવ સાથેનો આત્મીય સંવાદ છે.
ચાલતાની શરૂઆતમાં જ સિંધ નદીના ખળખળ વહેતા જળનો મધુર નાદ અમારા કાનમાં ગુંજવા લાગ્યો. એક બાજુ ગગનચુંબી પર્વતમાળાઓ અને બીજી બાજુ ઘાસના ગાલીચા પાથરાયેલા હોય એવા લીલાછમ મેદાનો..!! સમગ્ર દૃશ્ય જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર ઉતારેલી જીવંત કૃતિ હોય એવું પ્રતીત થતું હતું.
ટ્રેક આગળ વધતો ગયો તેમ પ્રકૃતિનું સૌંદર્ય વધુ ને વધુ નીખરતું ગયું. રસ્તામાં ચમકતા જંગલી ફૂલો, દૂર ચરતા ઘોડાઓ, અને ઘોડીનું દૂધ-પિતા એના વછેરા, ઘેંટાના ટોળે ટોળા લીલાછમ ઘાસના મેદાનોમાં ઘાસ ચરતા હતા. પર્વતોમાંથી વહેતી નિર્મળ ઝરણીઓ અને હિમાચ્છાદિત શિખરોનું દિવ્ય દર્શન મનને મંત્રમુગ્ધ કરી દેતું હતું. ઠંડા પવનના મૃદુ ઝોકા ચહેરાને સ્પર્શતા હતા તેમજ દરેક શ્વાસમાં હિમાલયની તાજગી અનુભવાતી હતી.
જેમ જેમ અમે ઊંચાઈ પર ગયા તેમ સામે સફેદ બરફનો વિરાટ વિસ્તાર દેખાવા લાગ્યો. થોડી વાર માં અમારો રસ્તો અને ઘોડાપરથી આવતા પ્રવાસીઓનો રસ્તો એક થઈ ગયો અને શોરબકોર વધવા લાગ્યો. પ્રવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અમે પણ એ બધાની સાથે સાથે આગળ વધવા લાગ્યા, કોલાહલ વધતા અમે અમારો રસ્તો બદલી ને થોડે દૂર સિંધ નદીના કિનારે કિનારે ચાલતા ચાલતા આગળ વધ્યા. થોડી ક્ષણોમાં દૂરથી થજિવાસ ગ્લેસિયર સામે દેખાવા લાગ્યું..!
હજારો વર્ષોથી જામી રહેલો બરફનો વિશાળકાય જથ્થો સૂર્યપ્રકાશમાં ચાંદીની જેમ ઝગમગી રહ્યો હતો. બરફ રૂપી શ્વેત ચાદર ઓઢીને વર્ષોથી જાણે કોઈ અઘોરી તપ કરવા ન બેઠો હોય એવું જ દૃશ્ય હતું. ગુલાબી ઉષાના સોનેરી કિરણો આ ગ્લેશિયર પર પડતા જ તે અસંખ્ય હીરાઓની જેમ ચમકી રહ્યો હતો.
થજીવાસ ગ્લેશિયરની નજીકના બરફાચ્છાદિત શિખરો ઉપર જામેલો બરફ પીગળતા બે શિખરો વચ્ચેથી પડતા સફેદ રૂની પૂણી જેવા અગણિત ઝરણાંઓ...ઓહ..!! આ અલૌકિક નજારો એટલો ભવ્ય હતો કે, તમે આંખનું મટકું પણ ન મારો..!! એવું લાગતું હતું કે જાણે સમય આજ ઘડીએ થંભી ગયો છે..!!
માનવસર્જિત કોલાહલથી દૂર, માત્ર પ્રકૃતિનો નિઃશબ્દ મહિમા અને હિમાલયનું અદ્વિતીય વૈભવ અમારી સામે હતું. અહીં એક ઊંચા શિખર ઉપર બે આર્મીના સૈનિકો ઊભા હતા, અમે તેમની નજીક પહોંચ્યા, ત્યારે એમણે કહ્યું કે, તમે અહીં થી આગળ ટ્રેક કરવા માટે નહીં જઇ શકો, એમની પાસેથી વધારે માહિતી લેતા જાણવા મળ્યું કે જો તમારે વધારે ઉપર સ્નોમાં ટ્રેક કરવો હોય તો તમારે આગલા દિવસે સોનમર્ગ પોલીસ સ્ટેશન જઈને પરમિશન લેવી પડે છે તેમજ એક લોકલ સર્ટિફાઇડ લાઇસન્સ ધરાવતો ગાઈડ સાથે રાખવો જરૂરી છે, તો તમે હજુ આગળ ટ્રેક કરવા જઈ શકો, એટલે અમે અમારો ટ્રેક અહીં જ અટકાવ્યો અને લગભગ એકાદ કલાક બંને આર્મીમેન સાથે અહીંની સુંદરતા તેમજ અહીંના અચાનક બદલાતા વાતાવરણ તેમજ બીજી અલક મલકની ઘણી વાતો કરીને અમે લગભગ 2 કલાક જેટલો સમય અહીં વિતાવ્યો. અસંખ્ય ફોટોગ્રાફ્સ લીધા અને એ અવિસ્મરણીય ક્ષણોને હૃદયમાં કેદ કરી લીધી.
પરત ફરતી વખતે પણ દરેક વળાંક પર નવું સૌંદર્ય અમારી રાહ જોતું હતું. લગભગ આઠથી દસ કિલોમીટરના આ પગપાળા પ્રવાસે શરીરને થાક આપ્યો હશે, પરંતુ મનને અપરંપાર આનંદ અને આત્માને અદ્ભુત શાંતિ આપી.
થજિવાસ ગ્લેસિયર માત્ર બરફનો ઢગલો નથી, તે હિમાલયના હૃદયમાં ધબકતું એક જીવંત કાવ્ય છે. અહીં પહોંચનાર દરેક પ્રવાસી પોતાના સાથે માત્ર તસવીરો જ નહીં, પરંતુ પ્રકૃતિના વૈભવની અમીટ સ્મૃતિઓ અને જીવનભર યાદ રહે એવો અનોખો અનુભવ લઈને પરત ફરે છે. સોનમર્ગની આ શ્વેત ધરોહર ખરેખર કાશ્મીરના મુકુટમાં જડાયેલો એક અમૂલ્ય હીરો છે.